ઓડિશાના લોકોને લગભગ દર વર્ષે નાના-મોટા ચક્રવાતનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સંભવિત ચક્રવાત આસનીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ બુધવારે દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચક્રવાત ઉદભવે તેવી સંભાવનાઓ છે.
ભારતીય હવામાન વિભાગનું માનવું છે કે 5 મેથી હવામાનમાં ફેરફાર જોવા મળશે.IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આગામી 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેની ઝડપ 75 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે. અને ઓડિશામાં ટકરાઈ શકે છે. હવામાન વિભાગ આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ પર પડી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચક્રવાત ખૂબ જ તેજ ગતિએ ઓડિશાના તટ પર લેન્ડફોલ કરશે. જો કે, નીચા દબાણનો વિસ્તાર બન્યા પછી જ સ્પષ્ટ થશે કે ચક્રવાતનો માર્ગ અને તેની ગતિ શું હશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે લો પ્રેશર એરિયા બન્યા બાદ જ ચક્રવાતની સ્થિતિ સ્પષ્ટ થશે. જોકે ચક્રવાત સમયે 80 થી 90 કિ.મી. પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.