કોરોનાકાળ પછી ઓનલાઇન નાણાં મોકલવાના ચલણમાં વધારો થયો છે. તેના કારણે બેંકોને સૌથી વધુ રાહત થઇ છે. પહેલાં બેંકમાંથી એક વેપારી વર્ષે સરેરાશ 8થી 10 વખત ચેકબુક માંગતો હતો. તેના બદલે હવે પાંચથી 6 વખત જ ચેકબુકની માંગણી કરવામાં આવી રહી છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને લીધે બેંક પાસેથી લેવામાં આવતી ચેકબુકની સંખ્યામાં સીધો 40 ટકા સુધીનો ઘટાડો નોંધાતા કાગળની બચત થવાની સાથે માનવ કલાકોની પણ કામગીરી ઘટી છે.
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત હવે મોટાભાગના વ્યવહારો સામાન્ય લોકોથી માંડીને વેપારીઓ પણ ઓનલાઇન જ કરતા થઇ ગયા છે. તેમાં પણ કોરોનાએ તો પરિસ્થિતિ જ બદલી નાંખી છે. આ જ કારણોસર એપ્રિલ માસમાં 5.58 અબજ વ્યવહારો યુપીઆઇના માધ્યમથી કરવામાં આવ્યા હોવાનું કેન્દ્ર સરકારે જ જાહેર કર્યું છે. તેના કારણે લોકોની બેંકમાં પણ અવરજવર ઘટી છે.
કારણ કે પહેલા નાણાં ઉપાડવા કે ખાતામાં જમા કરાવવા માટે પણ બેંકમાં જવું પડતું હતું. તેના બદલે હવે એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી અને ભરી શકાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેવી જ રીતે વેપારીઓ પણ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતા હોવાના લીધે ચેકબુક લેનારાઓ પણ 40 ટકા સુધી ઘટ્યા હોવાનું બેંકિંગના જાણકારો કહી રહ્યા છે.
ઓનલાઇન વ્યવહારને કારણે ડિજિટલ ઇન્ડેયાને વેગ મળ્યો છે. તેમજ બેંકમાં આવનારાઓની સંખ્યા ઘટતા માનવ ક્લાકોનો વેડફાટ ઘટયો છે. સાથે સાથે સ્ટેશનરી, વીજળીની પણ બચત થઇ રહી છે. પહેલા લોકો ચેક્બુક લેવા માટે બેંકને નાણાં પણ વધુ ચૂકવવા પડતા હતા. તેમાંથી પણ હવે છટકારો થયો છે. તેનો ફાયદો બેંકની સાથે સાથે ગ્રાહકને પણ થઇ રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનું ચલણ હજુ વધવાનું છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધવાના કારણે ચેકબુક લેનારાઓની સંખ્યા 40 ટકા સુધી ઘટી છે. તેના લીધે ચેક્બુકમાં છેડછાડ કરીને થતી ઠગાઇના કિસ્સા પણ ઘટયા છે. જોકે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના કારણે સાયબર ક્રાઇમના કિસ્સા પણ ચોક્કસ વધ્યા છે, પરંતુ પ્રરતી તકેદારી સાથે વ્યવહાર કરવામાં આવે અને કોઇને પણ પીન નંબર નહીં આપવામાં આવે તો આવા કિસ્સા ચોક્કસપણે અટકાવી શકાય છે.