જામનગર શહેરમાં રહેતાં સોની વેપારીને વિશ્વાસમાં લઇ બે શખ્સોએ કંપનીમાં પડેલું 291 ગ્રામ સોનું છોડાવવા માટે રૂા.8 લાખ ઉછીના લઇ અને આ રૂપિયા શખ્સોએ તેમની પેઢીમાં ટ્રાન્સફર કરી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેપરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં કિરીટભાઈ મહેન્દ્રભાઈ રાધનપુરા નામના સોની વેપારીને ઈકબાલ ઈબ્રાહિમ ખીરા અને વસીમ ખીરા નામના બે શખ્સોએ વિશ્ર્વાસમાં લઇ અને મુથુટ ફાઈનાન્સમાં ગોલ્ડ લોનમાં ગીરવે મૂકેલું 291 ગ્રામ સોનુ પૈસા ભરી કમિશનન આપવા માટે લલચાવી આઠ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી સોની વેપારીએ ઈકબાલ ખીરાના આઈસીઆઈસીઆઈ બેંકના 777701831988 નંબરના ખાતામાં રૂા.8 લાખ રોકડા જમા કરાવ્યા હતાં. જે રકમ ઈકબાલે આરટીજીએસથી મુથુટ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરાવી તેનું સોનુ છોડાવી લેવાને બદલે તેણે પોતાના પ્રિન્સ ઈલેકટ્રોનિકસ એન્ડ મોબાઇલ નામની પેઢીના 020505503979 નંબરના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું સોની વેપારીને ધ્યાને આવતા તેણે આ રકમ પરત મેળવવા માટે ઈકબાલ અને વસીમનો સંપર્ક કર્યો હતો પરંતુ બન્નેમાંથી એકપણ શખ્સે આ રકમ પરત આપી ન હતી.
બન્ને શખ્સો દ્વારા આઠ લાખની રકમ પરત ન અપાતા આખરે વેપારી કિરીટભાઈએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ઈકબાલ ઈબ્રાહિમ ખીરા અને વસિમ ખીરા નામના બે શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.