ભારતમાં થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોવિડના વધી રહેલા સંક્રમણ વચ્ચે ચોથી લહેરની આશંકાઓ પણ સેવાઈ રહી છે. તેવામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2937 કેસ નોંધાયા છે. જયારે 32 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ એક્ટીવ કેસની સંખ્યા વધીને 16279 થઇ છે. ગઈકાલે દેશમાં 2,483 કેસ નોંધાયા હતા ત્યારે આજે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. જેના પરિણામે આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,279 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,654 પર પહોંચ્યો છે.
દેશમાં વધી રહેલા કોરોનાના કેસના પરિણામે લોકોને પણ ચોથી લહેરનો ભય સતાવી રહ્યો છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ ધીમી ગતીએ વધ્યા છે. પરંતુ ચોથી લહેરની આશંકાઓ ઓછી છે. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં કેસમાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે.
છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 643 નો વધારો નોંધાયો છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 188.19 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.