ભારત સરકાર દ્વારા કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરુપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા આત્મા પ્રોજેકટ જામનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિગ્જામ મિલ સામે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિના પ્રદર્શન, કૃષિકાર વૈજ્ઞાનિકોની ગોષ્ટી, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોનું સન્માન તથા પ્રાકૃતિક ખેતીના ઇનપુટ ઉત્પાદનનું પ્રત્યક્ષ નિદર્શનની થીમ ઉપર આ કૃષિમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોના પ્રાકૃતિક ખેતીના અનુભવો, પ્રાકૃતિક ખેતી માટે પશુપાલન વિભાગની સહાયલક્ષી યોજનાઓ, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન સહિતના વિષયો ઉપર વિવિધ વક્તાઓ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ નાયબ ખેતી નિયામક (તાલિમ) અને પ્રોજેકટ ડાયરેકટર (આત્મા) જામનગર, જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સિનિયર સાયન્ટીસ એન્ડ હેડ સહિતના અધિકારી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


