જામનગર શહેરના પાછલા તળાવમાં ડૂબી જવાથી બે પરપ્રાંતીય બાળકોના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બન્નેના મૃતદેહને જીજી હોસ્પિટલમાં પીએમ અર્થે લઇ જવામાં આવ્યા છે. જે બન્ને બાળકોના મૃત્યુ નીપજ્યા તેની ઉંમર આશરે 8 વર્ષ અને 9 વર્ષ છે. બન્નેના પિતા આજે દરેડ ફેઝ-2માં મજુરી કામ અર્થે ગયા હતા અને પાછળથી આ ઘટના બની હતી.
આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના 58 દિગ્વિજય પ્લોટમાં પરપ્રાંતીય બે પરિવાર રહે છે. જે પૈકી એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો પરિવાર છે. બન્ને બાળકોના પિતા દરેડ ફેઝ-2માં મજુરી કામ કરે છે. અને આજે સવારે તેઓ કામ પર ગયા હોય અને પાછળથી તેમના બાળકો પાછલા તળાવમાં ડૂબ્યા અંગેની જાણ થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. બે પરપ્રાંતીય પરિવારના બાળકોના એકાએક આ રીતે મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.