પ્રાથમિક શાળાના પ્રશ્ન પત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવાનો નિર્ણય અયોગ્ય હોવાનું અને તેની પુન:સમીક્ષા કરવા ગુજરાત રાજયનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે.
રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા તથા મહામંત્રી મનોજ પટેલના જણાવ્યા અનુસાર તાજેતરમાં પ્રાથમિક શાળામાં પ્રશ્ર્નપત્રો ચોરી થવાની ઘટનાના સંદર્ભે સરકાના શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે પૈકીના કેટલાક સૂચનો અયોગ્ય અને ઉતાવળિયા હોવાનું શિક્ષક સંઘને જણાઇ રહ્યું છે. પ્રાથમિક શાળાના પ્રશ્ર્નપત્રો મુખ્ય શિક્ષક કે આચાર્ય પોતાના ઘરે લઇ જાય પરીક્ષા પૂર્વે ઘરેથી લઇને નિકળે તે બાબત યોગ્ય જણાતી નથી કેમ કે, મુખ્ય શિક્ષકને પણ આકસ્મિક સંજોગો ઉભા થવાની શકયતા રહેલી છે. આ સંજોગોમાં સમગ્ર શાળાના બાળકો અને અન્ય શિક્ષકો માટે મૂશ્કેલી ઉભી થઈ શકે છે.
પરિક્ષા શરૂ થતા પૂર્વે પ્રશ્ર્નપત્રના સિલબંધ કવર કલસ્ટર કક્ષાએથી લેવાના હોય પરંતુ પરિક્ષા લેવાનું સ્થળ અને કલસ્ટર વચ્ચે જયારે વધુ અંતર હોય ત્યારે આ વ્યવસ્થા પણ તંત્ર માટે તેમજ મુખ્ય શિક્ષક માટે હેરાનગતીરૂપ અને અવ્યવહારૂ જણાઈ આવે છે. આરટીઇ એકટ મુજબ પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરિક્ષા એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો હિસ્સો છે.આ પરિક્ષાના આધારે માત્ર બાળકના ગ્રેડ નકકી થાય છે. કોઈપણ બાળકને સ્થગિત કરવામાં આવતા નથી.
ઉપરોકત તમામ સ્થિતિમાં કોઈ એકાદ આકસ્મિક ઘટનાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણય ઉપર શિક્ષણ વિભાગ દ્વારા પુન: વિચારણા કરવી જોઈએ તેમજ જરૂરિયાત જણાય તો અગાઉની જેમ જે તે જિલ્લા કક્ષાએ પ્રશ્ર્નપત્ર તેયાર કરવાની અને પરિક્ષાઓ લેવાની અગાઉની વ્યવસ્થા ફરીથી શરૂ કરવા પણ વિચારણા કરવી જોઈએ. આથી આવી ઘટનાઓબને તો તેની અસર તેની અસર અન્ય જિલ્લાઓ કે શહેરોમાં ન પડે.