જામનગર શહેરમાં અંડરબ્રિજ પાસે આવેલી સુંદરમ સોસાયટીમાં રહેતા વૃદ્ધના પુત્રના છૂટાછેડા થયા બાદ મેસેજ કરવાની બાબતનો ખાર રાખી બે શખ્સોએ વૃધ્ધ દંપતી સહિત ચાર વ્યકિતઓને ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંડરબ્રિજ પાસે આવેલી સુંદરમ સોસાયટીમાં રહેતાં વેપારી અનિલભાઈ કારિયા નામના વૃધ્ધના પુત્રના છૂટાછેડા થઈ ગયા હતાં અને રાજકુમાર આશરની પુત્રીને મેસેજ કર્યો હતો. જે બાબતનો ખાર રાખી રાજકુમાર મનુ આશર, અર્જુન ઉર્ફે વિરાજ રાજકુમાર આશર નામના પિતા પુત્ર શખ્સે બુધવારે રાત્રિના સમયે અનિલભાઈ કારિયા, તેમના પત્ની જયશ્રીબેન અને પ્રેમલ, પંકજ નામના ચાર વ્યક્તિઓને ફડાકા અને ઢીકાપાટુનો માર મારી વૃધ્ધ દંપતીને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ વૃધ્ધ વેપારી દ્વારા જાણ કરાતા હેકો એ.એન.નિમાવત તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.