જામનગર તાલુકાના મુંગણી ગામમાં યુવતીની સગાઈનું આમંત્રણ ન આપવાનું મનદુ:ખ રાખીને ચાર શખ્સોએ યુવાન ઉપર કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કરી તલવાર અને ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામના નરેન્દ્રસિંહ કુંજાજી કંચવાની દિકીરની સગાઈનું આમંત્રણ જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને આપવામાં આવ્યું ન હતું. આ આમંત્રણ ન આપ્યાનું મનદુ:ખ રાખી જયરાજસિંહ જાડેજા તેની જીપમાં નરેન્દ્રસિંહના ઘર પાસે જઇ અપશબ્દો બોલતો હતો. જેથી નરેન્દ્રસિંહના ભત્રીજા નરેન્દ્રસિંહ ઉર્ફે કાના એ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા વધુ ગાળો બોલવા લાગ્યો હતો. અને રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, રવિરાજસિંહ ઘેલુભા કેર નામના બે શખ્સોએ તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે આવ્યા હતાં. ઉપરાંત જાફર વસા નામનો શખ્સ સ્વીફટ કારમાં આવ્યો હતો. ત્યારબાદ ચારેય શખ્સોએ એકસંપ કરી નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો નટુભા કંચવા ઉપર તલવાર અને ધોકા વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ જયરાજસિંહ અને રવિરાજસિંહએ જીપ વડે નરેન્દ્રસિંહને ચગદી દેવા માટે જીપ ચલાવતા નરેન્દ્રસિંહનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ હુમલાખોર શખ્સોએ ત્રણ બાઇક ઉપર જીપ ફેરવી દેતા બાઈકમાં નુકસાન થયું હતું.
હુમલાના આ બનાવમાં ઘવાયેલા નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો નટુભા કંચવા નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.