રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા મંત્રી ઉમેર્યું છે કે ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાંના પાણીની કોઈ તકલીફ ન પડે એ માટેનું સુચારૂં આયોજન કરવા સંબંધિતોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સાથે સાથે પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે. ટેન્કરો દ્વારા પાણી આપવા અંગેના પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું છે કે, હાલ કચ્છ જિલ્લામાં 36 ટેન્કરો દ્વારા 114 ફેરા થકી આશરે 21 ગામોમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ઓવરબ્રિજનું કામ રૂપિયા 108 કરોડના ખર્ચે હાથ ધરાશે. આ બ્રિજ અંગે વિવિધ જમીન સંપાદન સહિતના ટેકનિકલ પ્રશ્ર્નો હતા તે હલ થયા છે એટલે હવે આ કામ સત્વરે શરૂ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. જેના પરિણામે ભૂજ અને ભચાઉના નાગરિકોના પ્રશ્ર્નોનું નિરાકરણ આવશે. આ જ રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-2માં રૂપિયા 651 કરોડના ખર્ચે કામ શરૂ થનાર છે. ફેઝ-1ના કામ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે કરાશે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી તા. 16 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.