અમેરિકન વિદેશ વિભાગે ભારત પર પોતાના 2021ના માનવાધિકાર રિપોર્ટમાં મન પડે ત્યારે ધરપકડ, કસ્ટોડીયલ ડેથ, લઘુમતિઓ સામે ધાર્મિક હિંસા, અભિવ્યકિતની આઝાદી પર રોક, મીડીયા પર પ્રતિબંધ, પત્રકારો સામે કેસ અને ઘણા બધા પ્રતિબંધાત્મક કાયદાઓ બાબતે ચિંતા વ્યકત કરી છે. રિપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે, આ બધા મુદાઓ પહેલા પણ ઉઠાવાઇ ચૂકયા છે. તેમ છતાં સરકાર તરફથી કોઇ જવાબ નથી અપાતા. રિપોર્ટમાં ચીનની રાજકીય વ્યવસ્થા અને માનવાધિકારની સ્થિતિ બાબતે ચિંતા વ્યકત કરાઇ છે. ચીને તેનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. ભારત પરના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય કાયદો મનમાન્યા ઢંગથી ધરપકડ અને જેલમાં મોકલતા રોકે છે પણ 2021માં આ બંને થયા, રિપોર્ટમાં ત્યાં સુધી કહેવાયુ છે કે પોલિસે ખાસ સુરક્ષા કાયદાના માધ્યમથી કોર્ટમાં ધરપકડ કરાયેલાઓની સમયસર સુનાવણી સુધ્ધા ના થવા દીધી. કેટલાય કેસોમાં તો મનમાની રીતે એટલા દિવસો સુધી જેલમાં રાખવામાં આવ્યા કે તે ગુનાની એટલી સજા પણ ના થઇ હોત. 12 એપ્રિલે રાજય સચિવ એન્ટની બ્લીકને માનવાધિકારો પરનો આ રિપોર્ટ યુએસ કોંગ્રેસને સોંપ્યો. આ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વ્યકિત, નાગરિક, રાજકારણી, કાર્યકરો સાથે ચર્ચા પછી તૈયાર કરવામાં આવે છે.