યાત્રાધામ દ્વારકા અને સોમનાથ સહિત સાત સ્થળોએ રાજય સરકાર દ્વારા હેલીપોર્ટનું નિર્માણ કરવામા આવશે. પ્રવાસન ઉપરાંત ઇમરજન્સીમાં આ હેલિપોર્ટનો ઉપયોગ કરી શકાશે. હેલિપોર્ટ પર એરપોર્ટ જેવી જ સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ અહીં એક સાથે 4 થી પ હેલિકોપ્ટરો ઓપરેટ કરી શકાશે.
રાજ્યનાં ઉડ્ડયન મંત્રાલય દ્વારા સાત સ્થળોએ હેલીપોર્ટ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ,સોમનાથ, સાપુતારા, અંબાજી, દ્વારકા, ગીર તથા હેરીટેજની યાદીમાં સ્થાન પામનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરનો પણ સમાવેશ કરાયો છે.
પ્રવાસનને વેગ આપવા ઉપરાંત કોઇ આફત કે મેડીકલ ઇમરજન્સી વખતે ઉપયોગમાં લઇ શકાય તેવા ત્રિવિધ ઉદેશ સાથે હેલીપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત કેટલાંક વખતથી પ્રવાસન રાજ્ય તરીકે વિકસી રહ્યું જ છે અને નવી એરસ્ટ્રીપ તથા હેલીપેડ બનાવવામાં આવી જ રહ્યા છે. હેલીપેડ બનાવવા માટે અનેક ટેકનીકલ પ્રક્રિયા કરવા ઉપરાંત કલેક્ટરો, ડાયરેક્ટર જનરલ ઓફ સીવીલ એવીએશન, પોલીસની મંજુરી લેવી પડે છે. હેલીપેડ પરથી માત્ર એક હેલિકોપ્ટરની ઉડાન શક્ય છે જ્યારે હેલીપોર્ટ પરથી 4-5 હેલિકોપ્ટરની સુવિધા મળી શકે છે.
ઉડ્ડયન વિભાગના સીનીયર અધિકારીએ કહ્યું કે હેલીપોર્ટ મીની એરપોર્ટ જ ગણી શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાનુ ટર્મીનલ બિલ્ડીંગ, સિક્યુરીટી ક્લીયરન્સ, મુસાફરો માટે વેઇટીંગ રુમ, એટીસી ટાવર, ઇંધણ પોઇન્ટ, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે સુવિધા રાખવી પડે છે. 8 થી 9 એકર જગ્યાની જરુર પડે છે. હેલીપોર્ટનું નિર્માણ બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે. એક હેલીપોર્ટ નિર્માણ પાછળ 3 થી 4 કરોડનો ખર્ચ થઇ શકે છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ તથા વડનગરમાં હેલીપોર્ટ બનશે.
આ માટેનાં ટેન્ડર પણ જારી કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ નજીક હાંસોલ ખાતે તથા વડનગરમાં ગુંજા ખાતે હેલીપોર્ટનું નિર્માણ થશે. હેલીપોર્ટના ઉપયોગ માટે નોન-શિડ્યુલ ઓપરેટરને છુટ્ટ આપવામાં આવશે. ચાર્ટર્ડ તથા હેલીકોપ્ટર પાર્કિંગ થકી પણ સરકારને આવક થશે. નાગરિક ઉડ્ડયન વિભાગના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે કહ્યું કે ગુજરાતમાં હેલીપોર્ટના નિર્માણ માટે સરકારે પરવાનગી આપી દીધી છે.