કોરોનાનું સંક્રમણ લગભગ સમાપ્ત થતા ગુજરાતમાં પણ માસ્કને અનૌપચારિક વિદાય આપવામાં આવી હોવાનું જણાય રહ્યું છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે સતાવાર રીતે પોતપોતાના રાજયમાં માસ્કને મરજીયાત બનાવી દીધું છે. ગુજરાતમાં આ અંગે હજુ સુધી કોઇ સતાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ બિનસતાવાર રીતે સરકાર દ્વારા ‘માસ્ક મુકિત’ આપી દેવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય રહ્યું છે. પક્ષના કે સરકારનાં કોઇ કાર્યક્રમમાં હવે લોકો માસ્ક પહેરતા નથી અને તંત્ર દ્વારા આવો કોઇ આગ્રહ પણ રાખવામાં આવતો નથી. જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ બંધ કરી દેવામાં આવી છે. લોકો હવે આરામથી માસ્ક વગર ફરી રહ્યા છે. કોઇ ગણ્યા ગાંઠયા લોકો હજુ પણ માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. જામનગરમાં યોજાયેલી ભાજપની બાઇકની બાઇકયાત્રામાં ધારાસભ્ય, મેયર સહિતના તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જે સૂચવે છે કે રાજયમાં સરકાર દ્વારા હવે માસ્કને અનોૈપચારિક વિદાય આપી દીધી છે. પણ તેની ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. રાજયમાં કોરોના હવે લગભગ ગાયબ થઇ ગયો છે. ત્યારે સરકાર હવે સતાવાર રીતે ‘માસ્કમુકિત’ની ધોષણાં કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. જો કે, નવા વેરિયન્ટની દહેશત વચ્ચે તબિબો અને તજજ્ઞોનો મત અલગ હોઇ શકે છે.