કેરળના અલાપ્પુઝા જિલ્લામાં એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યા બાદ બિલ આવતા જ નાસ્તો કરનાર વ્યક્તિના હોશ ઉડી ગયા હતા. રેસ્ટોરન્ટમાં નાસ્તો કરનાર વ્યક્તિ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ધારાસભ્ય અને ટ્રેડ યુનિયનના નેતા પીપી ચિત્તરંજન હતા અને નાસ્તાનું બિલ કુલ 184 રૂપિયા આવ્યું હતું. ચિત્તરંજને કહ્યું કે તેઓ તેમના રેસ્ટોરન્ટમાંથી નાસ્તાનું બિલ મેળવીને આશ્ચર્યચકિત થઈ ગયા. કારણકે 184 રૂપિયા બીલ આવ્યું હતું.
ધારાસભ્ય ચિત્તરંજને કહ્યું, ‘મેં 2 ઇંડા અને થોડી ગ્રેવી સાથે માત્ર 5 પમ અને એક એગ કરી (રૂ. 100) લીધી હતી અને બિલ 184 રૂપિયા આવ્યું હતું. હું ચોંકી ગયો અને મેં પૂછ્યું કે શું તેના બિલમાં કોઈ ભૂલ છે? જ્યારે જવાબ આવ્યો કે બિલ સાચું છે, તે પછી મેં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. મેં આ બાબતે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી.
ધારાસભ્યએ વધુમાં કહ્યું, ‘ઇંડાની કિંમત કેટલી છે? રૂ 4 કે રૂ 4.50? અને એક કિલો ડુંગળીની કિંમત 15 રૂપિયા છે અને મને જે બિલ મળ્યું તે જુઓ.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ત્યાં એર કંડીશન પણ નથી. ધારાસભ્ય દ્વારા શનિવારે નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ આ વિસ્તારની ઘણી રેસ્ટોરાં પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓને જાણવા મળ્યું કે કેટલીક હોટલ અને રેસ્ટોરાં પાસે મેનુ ન હતા.
જો કે, ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ આવા કોઈપણ નિયમ સાથે અસંમત હતા. તેમનું કહેવું છે કે દરેક રેસ્ટોરન્ટમાં અલગ-અલગ ખર્ચ હોય છે અને રાંધણગેસ સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.


