જામનગરમાં શહેરના સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે આજે ચેટીચાંદના પવિત્ર દિવસે ઝુલેલાલ મંદિરે સવારે પ વાગ્યે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવિત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સિંધી સમાજ દ્વારા આજે ચેટીચાંદની ભવ્ય ઉજવણી અંતર્ગત માજી મંત્રી પરમાણંદ ખટ્ટરની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમના ભવ્ય આયોજનમાં સવારે પ કલાકે જુના રેલ્વે સ્ટેશન પાસેના ઝુલેલાલ મંદિરે મહાઆરતી ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાધના કોલોનીથી ઝુલેલાલ મંદિર સુધીની બાઇક રેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ ઝુલેલાલ મંદિરે પહોંચી હતી. જ્યારે બાળકોની યજ્ઞોપવિત વિધિ તથા સીંધી લાડા (સાંજી) યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માજી મંત્રી પરમાણંદ ખટર, ભાજપા શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, દિવ્યેશ અકબરી, જીતુભાઈ લાલ, વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણિયા, ગોપાલ સોરઠીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બપોરે ઝુલેલાલ મંદિરે મહાપ્રસાદ તેમજ બપોરે 4 વાગ્યે નાનકપુરીમાં ગુરૂરૂનાનક મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા પવનચક્કી, દિ.પ્લોટ, ખંભાળીયા ગેઇટ, સેતાવાડ, બર્ધનચોક, દરબારગઢ, ચાંદીબજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ થઇને બેડીગેઇટ થઇ રાત્રિના ઝુલેલાલ મંદિરે પહોંચશે. આ ઉપરાંત ઝુલેલાલ મંદિરે રાત્રિના 9.30 કલાકે ઝાંખી અને પ્રસાદના સ્ટોલવાળી બે સંસ્થાને શીલ્ડ વિતરણ કરવામાં આવશે તેમજ સિંધી સમાજના પ્રમુખ ઉધવદાસ ભૂગડોમલ તેમજ ચેટીચાંદ ઉત્સવ કમિટીના ચેરમેન મનીષ રોહેરાના માર્ગદર્શન હેઠળ કમિટીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપના અગ્રણી કાર્યકર મુકેશભાઇ લાલવાણી, પ્યારેલાલ રાજપાલ, કિશનચંદ પોખરદાસ, કોર્પોરેટર બબીતાબેન લાલવાણી તથા મંદિરના સભ્યોના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન ઘડવામાં આવ્યું છે. આ માટેની તૈયારીઓ પણ સિંધી સમાજ દ્વારા પૂરજોશમાં આરંભવામાં આવી છે. ચેટીચાંદના દિવસે સિંધી સમાજના યુવકો અને મંડળો તથા વ્યાપારીઓ દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત તેમજ પ્રસાદીના સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે.