કોરોના મહામારી પછી લોકડાઉનમાં જામવણથલી રેલવે સ્ટેશનેથી પસાર થતી ટે્રનોના સ્ટોપેજ બંધ કરી દેવામાં આવતાં જામવણથલી ગ્રામપંચાયત દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં રેલવે દ્વારા ટ્રેનના સ્ટોપ ન અપાતા ગ્રામપંચાયત સભ્ય તથા ગ્રામજનો દ્વારા રેલવે સ્ટેશને હોબાળો મચાવ્યો હતો.
જામનગરના જામવણથલી ખાતે કોરોના કાળ બાદ ટ્રેનોના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જામવણથલી રેલવે સ્ટેશને ટીકીટો મળતી હતી. તે પણ બંધ થઇ ચૂકી છે. જેને લઇને જામવણથલી ગ્રામપંચાયતના ઉપસરપંચ ભૂરાલાલ પરમાર દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ રેલવે દ્વારા ટ્રેનનો સ્ટોપ આપવામાં ન આપતા તા.23 ફેબ્રુઆરીના રોજ રેલવેના અધિકારીઓને પત્ર લખી તા.31 માર્ચ સુધીમાં આત્મવિલોપન કરવાની ઉપસરપંચ ભૂરાલાલ પરમાર દ્વારા ચિમકી આપવામાં આવી હતી. આ અંગે કોઇ નિરાકરણ ન આવતાં અને બે દિવસથી ઉપસરપંચ ગામમાં મળી આવતા ન હોય જેને લઇ ગ્રામજનો દ્વારા રેલવે સ્ટેશને પહોંચી હોબાળો મચાવ્યો હતો. જેને લઇ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.