દેશભરમાં વધતી જતી મોંઘવારીને લઇ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વધતી જતી મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધારા સામે આજરોજ જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગરના લાલબંગલા સર્કલ ખાતે નાટયાત્મક રીતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ ગેસનો બાટલો અને તેલના ડબ્બાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં સાયકલ વડે ટુ-વ્હીલર ખેંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ, તેલ સહિતની ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. કોરોનાકાળ બાદ સતત મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો વધી રહ્યાં છે. જેને લઇ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે મધ્યમવર્ગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેવામાં મોંઘવારી અને ભાવવધારાને કારણે મધ્યમવર્ગ ઉપર પડયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ થઇ રહ્યો છે. જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકાર અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસ તથા તેલના ડબ્બાને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમજ કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા સાયકલ ચલાવી ટુ-વ્હીલર સાયકલ સાથે બાંધી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.
આ તકે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, ધવલભાઇ નંદા, નુરમામદભાઇ પલેજા, કોંગ્રેસ અગ્રણી સાજિદ બ્લોચ, પ્રદિપસિંહ વાળા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, અગ્રણીઓએ મોંઘવારી અને ભાવવધારા મુદ્દે પ્રજાની વેદના વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.