જામનગર મહાપાલિકાની બાકી રોકાતી રકમ પર વ્યાજ માફીની યોજનાની મુદ્તમાં એક માસનો વધારો કરવામાં આવ્યો છે. આ યોજના આગામી તા. 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. શહેરીજનો વધુ એક મહિનો આ યોજનાનો લાભ લઇ શકશે. આ ઉપરાંત શહેરના પાંચ ટ્રાફિક જંકશન પર રૂા. 1.32 કરોડના ખર્ચે મેસેજિંગ ડિસપ્લે લગાવવામાં આવશે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં હાલ ચાલી રહેલી હાઉસ ટેક્સ, વોટર ટેક્સ અને વ્યવસાયી વેરાની બાકી રકમ પરના વ્યાજમાં રાહત અને માફીની યોજનાને વધુ એક મહિનો એટલે કે આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરીજનો 30 એપ્રિલ સુધી વેરાની ચડત બાકી રકમ ભરપાઇ કરીને તેમના પર વ્યાજ માફીનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત જામનગર શહેરમાં જુદા જુદા પાંચ ટ્રાફિક જંકશન પર 32 મિટરના વેરિયેબલ મેસેજિંગ ડિસપ્લે લગાવવા તથા પાંચ વર્ષ સુધી તેની જાળવણી કરવા માટે રૂા. 1.32 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકાની દશ સીટી બસ ચલાવવા અંગેની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જે વધુ વિગતો માટે પેન્ડીંગ રાખવામાં આવી હતી. આજની બેઠકમાં જુદા જુદા વિકાસ અને મેઇટેનન્સના કામ માટે કુલ 4.64 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, નાયબ કમિશનર વસ્તાણી, જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.