ખંભાળિયામાં રહેતા એક વાહન ચાલકે પોતાની મોટરકારમાં નિયમ ભંગ અંગે ટ્રાફિક પોલીસે આપેલા મેમોમાં છેકછાક કરી અને નિયમ કરતા ઓછો દંડ ભરતા આ સમગ્ર પ્રકરણ અંગે તેની સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
ખંભાળિયા ટ્રાફિક વિભાગના પીએસઆઈ એન.ડી. કલોતરા દ્વારા આ સમગ્ર બાબતે અત્રે એલ.આઇ.સી. ઓફિસ પાછળ રહેતા ધર્મેશ નારણદાસ તન્ના નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તા. 28 ડિસેમ્બરના રોજ ટ્રાફિક પીએસઆઈ કલોતરા તથા સ્ટાફ દ્વારા ચાલી રહેલી ચેકિંગની કામગીરીમાં અત્રે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જીજે-01-આરઝેડ-1542 નંબરની એક ખાનગી ઈક્કો મોટરકાર લઈને નીકળેલા ધર્મેશ નારણદાસ તન્ના નામના 35 વર્ષના યુવાનની પૂછપરછ તથા આ અંગેની ચેકિંગ કાર્યવાહીમાં ઉપરોક્ત મોટરકારમાં મુસાફરો જઈ રહ્યા હોવાથી આ અંગે સરકારના પરમિટના નિયમનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસે ઈક્કો કારના ચાલક ધર્મેશ તન્નાને દંડ અંગેનો મેમો આપ્યો હતો.
ઉપરોક્ત દ્વારા આ મેમોના નિયમ મુજબ અંદાજિત રૂા.10,000 ની ભરવાની થતી રકમના બદલે આ સરકારી દસ્તાવેજમાં તેના દ્વારા અથવા કોઈ સાગરીત દ્વારા છેકછાક કરી અને ટ્રાફિક પીએસઆઈની બનાવટી સહી તથા સુધાયેલા એન.સી. મેમોને અહીંની એ.આર.ટી.ઓ. કચેરીમાં રજુ કરવામાં આવ્યો હતો. જેથી તેને ફક્ત રૂા.500 ના રોકડ દંડ અંગેની પહોંચ આપવામાં આવી હતી.
આમ, આરોપી શખ્સે મેમોમાં છેડછાડ કરી અને સરકારને રૂપિયા 9,500 નું આર્થિક નુકસાન પહોંચાડવા બદલ ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઈક્કો કારના ચાલક ધર્મેશ નારણદાસ તન્ના સામે આઈ.પી.સી. કલમ 465, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.