વર્ષ 2012 માં જામનગરની કેનેરા બેંક સાથે 20.68 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ ઉદ્યોગપતિ સંજય ગુપ્તા નાઈરોબીથી મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે સીબીઆઈની ટીમે ઝડપી લીધો હતો. જામનગરની બેંક સાથે છેતરપિંડીનો કેસ નોંધાયા પછી અન્ય આરોપી ઝડપાયા હતાં પરંતુ નોવા શિપિંગનો ડાયરેકટર સંજય ગુપ્તા વિદેશ નાશી ગયો હતો. રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ થઈ ચૂકી હતી. ધરપકડ બાદ મુંબઇ સીબીઆઈ કોર્ટે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપતાં સંજય ગુપ્તા ગાંધીનગર સીબીઆઇ કચેરીએ લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
આ અંગેની વિગત મુજબ, જામનગરની કેનેરા બેંક સાથે 20.68 કરોડની છેતરપિંડી કરવા અંગે 27 જૂન 2012 ના રોજ ગુજરાત સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ચિટિંગ કેસમાં આઠ આરોપીઓ પૈકી નોવા શિપિંગ કંપનીનો ડાયરેકટર સંજય ગુપ્તા વિદેશ નાશી છૂટયો હતો. આ કેસમાં સીબીઆઇએ અમદાવાદની મિરઝાપુર સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં 24 ડિસેમ્બર 2013 ના રોજ ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટમાં ગુજરાતની નોવા શિપિંગ કંપનીનો ડાયરેકટર સંજય ગુપ્તા લાંબા સમયથી નાસતો ફરતો હોવાનું દર્શાવાયું હતું અને રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. બેંકને ચૂનો ચોપડવાના કેસમાં વોન્ટેડ આરોપી સંજય રાધેલાલ ગુપ્તા નાઈરોબીથી મુંબઇ એરપોર્ટ ઉપર પહોંચ્યો તે સાથે જ સીબીઆઈની ટીમે ઝડપી લીધોે હતો. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યા અનુસાર, લૂક આઉટ સકર્યુલર ઈસ્યૂ કરવામાં આવ્યો હોવાથી આરોપી ભારતની ધરતી પર પરત ફરતાં જ તેને લાંબા સમય બાદ ઝડપી લેવામાં સફળતા મળી છે. સીબીઆઈએ મુંબઇ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતાં સંજય ગુપ્તાને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. બચાવ પક્ષે મુંબઇની સીબીઆઈ અદાલત સમક્ષ ટ્રાન્ઝિટ રિમાન્ડ માગતા એવી રજૂઆત કરી હતી કે આરોપી સંજય ગુપ્તા સામે રેડકોર્નર નોટિસ હતી. આરોપી મુંબઇ એરપોર્ટથી ઝડપાયો ત્યારે હાથમાં આવ્યો છે. આ સંજોગોમાં તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. સીબીઆઈની માંગણી ગ્રાહ્ય રાખી બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ અપાયા હતાં. આરોપીને અમદાવાદ લાવી સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે.
સીબીઆઈની તપાસમાં એવી વિગતો ખુલ્લી હતી કે, નોવા શિપિંગ કંપનીના માલિક સંજય ગુપ્તા, ડાયરેકટર કિશોર પોશિયા સહિતના આરોપીઓએ જામનગરની કેનેરા બેન્કના ક્રેડિટ ડિપાર્ટમેન્ટના તત્કાલિન મેનેજરને સાધ્યા હતાં. જામનગરની ઓમ એક્ઝિમ અને કચ્છના ગાંધધામની ટ્રાન્સપોર્ટ કંપનીના ખોટા બીલો ઉભા કરી કરોડોનો વેપાર હોવાનું ચિત્ર ઉભું કરીને 20 કરોડ રૂપિયાની લોન મેળવાઈ હતી. આ કેસમાં વોન્ટેડ સંજય ગુપ્તા 10 વર્ષે ઝડપાયો છે.