ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓના બનેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મારી મોરચાની મિટિંગ ‘ચાણક્ય’ ગુ.રા.પ્રા.શિ. સંઘ કાર્યાલય, સેકટર-13, ગાંધીનગર ખાતે તા. 23ના રોજ યોજાઇ હતી. જેમાં રાજ્યના સર્વે કર્મચારીઓને અસરકર્તા કોમન પ્રશ્નો જેવા કે, જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવી, 7મા પગારપંચ મુજબ મળવાપાત્ર તમામ ભથ્થા જાહેર કરવા બાબત, ફિકસ પગાર પ્રથા/ કરારથી ભરતી બંધ કરવી તથા તમામ કર્મચારીને 10, 20 અને 30 વર્ષે ઉ.પ.ધો. મળવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની મિટિંગમાં જુદા જુદા મંડળોના પ્રમુખ-મંત્રી સહિત આશરે 46 જેટલા હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ તરીકે ગુ.રા.પ્રા.શિ. સંઘના પ્રમુખ દિગ્વિજ્યસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ચાવડાની સર્વાંનુમત્તે વરણી કરવામાં આવી હતી. હવે પછી આગામી મિટિંગ તા. 25ના રોજ મોરચાના પ્રમુખ દિગ્વિજ્યસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળશે અને કર્મચારીઓના પ્રશ્ર્નો માટે ખાસ કરીને જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવા બાબતે આંદોલન કાર્યક્રમની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ મિટિંગમાં સર્વાંનુમત્તે ઠરાવવામાં આવ્યું હતું. આગામી મિટિંગમાં સંયુક્ત કર્મચારી મોરચાના અન્ય હોદ્ેદારોની પણ વરણી કરવામાં આવશે અને સર્વે કર્મચારીઓના કોમન પ્રશ્ર્નો બાબતે આંદોલન કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવશે.