ભારતે બુધવારે બ્રહ્મોસ સરફેસ-ટુ-સર્ફેસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ પરીક્ષણ આંદામાન અને નિકોબારમાં થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટ્રાઈક રેન્જ સાથેની સુપરસોનિક ક્રુઝ મિસાઈલે ટાર્ગેટને સફળ રીતે નિશાન લગાવ્યું હતું. આ તકે એર ચીફ માર્શલે અભિનંદન પાઠવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું છે કે, એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના આ સફળ પરીક્ષણ માટે શુભેચ્છાઓ આપી છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હાજર હતા.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું નવુ વર્ઝન હવામાં વાર થાય તે રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. આ મિસાઈલ 800 કિલોમીટરથી વધુ દૂરી પર રહેલા દુશ્મન ઉપર સટીક નિશાનો લગાવવા સક્ષમ છે. સુખોઈ – 30 એમ કે આઈ વિમાનોને જે બ્રહ્મોસથી લેસ કરવામાં આવ્યા, તેની મારક ક્ષમતા 300 કિલોમીટર છે.
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુધ્ધમાં રશિયન આર્મી દ્વારા સુપરસોનિક અને હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી બ્રહ્મોસ મિસાઇલનું પરિક્ષણ ખૂબજ મહત્વનું બની જાય છે. સુપરસોનિક મિસાઇલ બાદ ભારત હાઇપર સોનિક મિસાઇલ વિકસાવવા પણ પર કામ કરી રહ્યું છે.