ડો. જે.એમ. વ્યાસ તરીકે જાણીતા ડો. જ્યંત મગનભાઈ વ્યાસ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં 6 નવેમ્બર 1951ના રોજ જન્મેલા ડો. જે.એમ. વ્યાસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોરેન્સિક સાયન્સ વિજ્ઞાની છે. જૂનાગઢમાં જ બાળપણ વિતાવનારા ડો. વ્યાસે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજનું શિક્ષણ પણ જૂનાગઢમાં જ મેળવ્યું છે. ફોરેન્સિક સાયન્સમાં લગભગ પાંચ દાયકાનો અનુભવ ધરાવતા ડો. વ્યાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 1971માં ગ્રેજ્યુએશન અને 1973માં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું છે. ગુજરાતમાં 1973મા સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના કરાઈ ત્યારથી ડો. વ્યાસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે જોડાયા હતા. માત્ર 41 વર્ષની વયે ડો. વ્યાસ ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના ડિરેક્ટર બન્યા હતા.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ફોરેન્સિક સાયન્સ માટેની વિશ્વની એક માત્ર યુનિવર્સિટી છે. 2009માં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી ડો. વ્યાસ તેના સ્થાપક ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સને પ્રતિષ્ઠા અપાવવાનું શ્રેય ડો. વ્યાસને જાય છે. દેશના પેચીદા કેસો ફોરેન્સિક તપાસ માટે ગુજરાતમાં મોકલાય છે. ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને આ પ્રતિષ્ઠા ડો. વ્યાસના સખત પરિશ્રનને કારણે મલી છે. ડો. વ્યાસને પદ્મશ્રી પહેલાં અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળી ચૂક્યા છે.