જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતી મહિલાનો પતિ તેણીને કહ્યા વગર તેની બહેનના ઘરે જતા રહેતા આ બાબતનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના મોડપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પ્રૌઢ ખેતરમાં પાણી વારતા હતાં તે દરમિયાન છાતીમાં ગભરામણ થતા સારવાર માટે જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતાં ગોપાલભાઈ સોલંકી નામના યુવાન તેની પત્નીને કહ્યા વગર તેની બહેનના ઘરે જતો રહ્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા યુવાનની પત્ની મીનાબેન ગોપાલ સોલંકી (ઉ.વ.36) નામની મહિલાએ ગત તા.9 માર્ચના રોજ સાંજના સમયે તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં મહિલાનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ગોપાલ દ્વારા જાણ કરાતા એએસઆઈ પી.ડી.જરૂ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મોડપર ગામની સીમમાં ખેતમજૂરી કરતા મોહનભાઈ ખલસીંગ કટારિયા (ઉ.વ.57) નામના આદિવાસી પ્રૌઢ ગત તા.17 ના ગુરૂવારે સવારના સમયે તેના ખેતરમાં પાણી વારતા હતાં તે દરમિયાન અચાનક છાતીમાં ગભરામણ થતા સારવાર માટે તાત્કાલિક જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની કલાબેન દ્વારા જાણ કરાતા હેકો એન.વી. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.