જામનગર શહેરમાં આવેલી મધુરમ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની જાણના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનમાં તલાસી લેતા તેમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલા યુવાનનો દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી મધુરમ સોસાયટીના એક મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આજુબાજુના રહેવાસીઓ દ્વારા પોલીસમાં જાણ કરાઇ હતી. જેના આધારે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનમાં તપાસ હાથ ધરતા રૂમમાં રહેલાં પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો અસહ્ય દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહની બાજુમાં લોહી પણ મળી આવતા રહસ્ય વધુ ઘેરુ બન્યું હતું. બાદમાં પોલીસે તપાસ હાથ ધરતા મૃતદેહ જયદિપસિંહ દિલીપસિંહ વાઘેલા નામના યુવાનનો હોવાની ઓળખ થઈ હતી. જેથી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને યુવાને આત્મહત્યા કરી છે કે કેમ ? તે અંગેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.