ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો સળંગ બીજી વખત લહેરાયો છે. ત્યારે બીજી તરફ આ પરિણામોએ કોંગ્રેસ માટે નવું તળિયું બનાવ્યું છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 7 બેઠક હતી, એ આ વખતે તો ઘટીને માત્ર 2 સીટ પર આવી ગઈ છે. આમ, કોંગ્રેસે તેના ઇતિહાસમાં દેશની રાજનીતિના હાર્દ સમા ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સૌથી નબળું પરિણામ મેળવ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે વધુ એક તળિયું 1000થી પણ ઓછા વોટ મેળવનારી સૌથી મોટી પાર્ટીનું બનાવ્યું છે. કોંગ્રેસના 22 ઉમેદવારને 2 લાખથી વધુ મતદારો હોય એવી બેઠક પર 1000 મત પણ નથી મળ્યા. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રિય દરરજા સામે જ ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે. કોંગ્રેસ પાસે સમગ્ર દેશમાં હવે માત્ર બે રાજયો જ રાજસ્થાન અને છત્તીસગઢ રહ્યા છે. જે સામે આમ આદમી પાર્ટી પણ બે રાજયોમાં સત્તા મેળવીને કોંગ્રેસની બરોબરીમાં આવી ગઇ છે. આ વખતે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણીપ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં પ્રિયંકાએ રોડ-શો કર્યા હતા, જેમાં વિશાળ જનમેદની તો જોવા મળી હતી, પરંતુ આ જનમેદની વાસ્તવમાં મત સમર્થનમાં તબદિલ થઈ શકી નહોતી. આ બધા રોડ-શો આખરે ફ્લોપ નીવડ્યા હતા. ઉત્તરપ્રદેશમાં અત્યારે કોંગ્રેસ પાસે ફક્ત 2 જ ધારાસભ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો સાવ રકાસ થવા પાછળનું સૌથી મોટું કારણ રાજ્યમાં કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતૃત્વ કે લોકપ્રિય ચહેરો ન હોવાનું વિશ્લેષકો માને છે. જોકે આ બાબત તો પાર્ટી ચૂંટણી પહેલાં જ સારી રીતે જાણતી હતી અને છતાં કોઈ સ્થાનિક ચહેરાને રાજ્યની પ્રચારની કમાન સોંપવામાં ન આવી. આ સ્થિતિમાં હવે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસ અંધકાર યુગમાં ધકેલાઈ જાય તો પણ નવાઈ નહીં.