પાંચ રાજયોની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કર્યા બાદ ભાજપ દ્વારા પાટનગર દિલ્હી સ્થિત કાર્યાલયમાં ભવ્ય વિજયોત્સવ યોજાયો હતો. ગઇરાત્રે યોજાયેલા આ વિજયોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ ઉપસ્થિત કાર્યકરોના વિશાળ સમૂહને સંબોધન કર્યું હતું. પાંચ પૈકી ચાર રાજયોમાં મળેલા પ્રચંડ વિજયને પ્રધાનમંત્રીએ મહિલાઓને આભારી ગણાવ્યો હતો. આ તકે પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહયા હતા. જેમણે વિજયનો શ્રેય કાર્યકરોની મહેનતને આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે આ વખતે હોળી દસમી માર્ચે શરૂ થશે અને તેઓએ તે પાળી બતાવ્યું છે. ભાજપના કાર્યકરોએ દિવસ-રાત મહેનત કરીને ચાર રાજ્યોમાં ભાજપને વિજયી બનાવ્યું. દિલ્હીમાં ભાજપના મુખ્યમથકે કાર્યકરોને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે લોકોએ સરકારની યોજનાઓ અને નીતિ પર મ્હોર મારી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે યોજનાઓની ડિલિવરી સિસ્ટમને ઠીક કરી છે. હું છેવાડાના માનવીના ઘેર સુધી ફાયદો પહોંચાડયા વગર બેસવાનો નથી.યોજનાઓને ગરીબ સુધી પહોંચાડવા માટે બહુ હિંમતની જરૂર પડી, પરંતુ મેં આ કરી બતાવ્યું. અમારૂં સૌભાગ્ય છે કે ભાજપને મહિલાઓએ મોટાપાયે મત આપ્યા છે. સ્ત્રીશક્તિ ભાજપની સારિથ બની છે. આમ મા બહેનો સતત ભાજપ પર વિશ્વાસ મૂકી રહી છે. તેમણે જણાવ્યું હતું કે હું નિષ્ણાતોને કહું છું કે તેઓ ઉત્તરપ્રદેશની પ્રજાને જાતિવાદી દ્રષ્ટિકોણથી જોવાનું બંધ કરે. કેટલાય લોકો યુપીને તેમ કહી બદનામ કરે છે કે અહીં ફક્ત જાતિ ચાલે છે. પણ રાજ્યની પ્રજાએ 2014, 2017, 2019 અને 2022માં ફક્ત વિકાસવાદનું રાજકારણ જ પસંદ કર્યુ છે. લોકોએ બતાવી દીધું છે કે જાતિનું માન દેશને જોડવા માટે હોય તોડવા માટે નહીં. તેમણે જણાવ્યું હતું કે યુપીના લોકોના પ્રેમ અને આશીર્વાદે મને યુપીવાળો બનાવી દીધો છે. બનારસના સાંસદ હોવાના લીધે કહી શકું છુંકે રાજ્યના લોકોએ સમજી લીધું છે કે ભ્રષ્ટાચારી અને માફિયાથી દૂર રહેવાનું છે. ચૂંટણી પરિણામ આગામી 25 વર્ષો માટે દેશનો મિજાજ નક્કી કરે છે.