Monday, December 23, 2024
Homeરાજ્યપીકઅપ વાનના ચોરખાનામાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

પીકઅપ વાનના ચોરખાનામાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

- Advertisement -

કલ્યાણપુર તાલુકામાં એક પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી અને આ વાહનમાં પશુ રાખીને છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની 551 બોટલો પોલીસે પકડી પાડી હતી. આ કાર્યવાહીમાં દારૂની હેરફેર સાથે સંકળાયેલા વાહનો સહિત કુલ રૂા. 15.66 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં છ શખ્સો ઝડપાઈ ગયા છે અને બનાસકાંઠા જિલ્લાના એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુનાશોધક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગુરગઢ ગામથી દ્વારકા તરફ જતા રસ્તે આવેલા એક પેટ્રોલપંપ નજીકની માલધારી હોટલ પાસે પાર્ક કરવામાં આવેલા બોલેરો કેમ્પર વાહન નંબર જીજે-09-એવી-2962 પાસે આવીને જોતાં આ વાહનમાં એક ઘોડો લઈ જવામાં આવતું હોવાનું ઉપરથી જોવા મળ્યું હતું. શંકાસ્પદ એવી બોલેરો કેમ્પરને પોલીસે ચેક કરતા આ વાહનના ઠાઠામાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલીને પોલીસે જોતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની 551 બોટલ વિદેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો.

એટલું જ નહીં, દારૂની આ હેરાફેરી દરમિયાન તેના પાયલોટિંગ માટે જી.જે.13 એન.એન.9046 નંબરની એક હ્યુન્ડાઈ કંપનીની આઈ- 20 મોટરકાર તથા દારૂની ડિલિવરી લેવા માટે આવેલી જીજે-37-બી-2116 નંબરની મારુતિ સુઝુકી બલેનો કાર પણ આ સ્થળેથી પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે.

- Advertisement -

આમ, રાત્રિના સમયે દારૂની હેરાફેરી તથા કટીંગ દરમિયાન પોલીસે દ્વારકા તાલુકાના રાંગાસર ગામની સીમમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક (ઉ.વ. 28), આરંભડામાં મહાવીર સોસાયટી ખાતે રહેતા અરજણ નારણભાઈ ભાન (ઉ.વ. 48), વઢવાણ તાલુકાના રતનપુર ખાતે રહેતા ધનરાજ મહેશદાન ગઢવી (ઉ.વ.32), સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ અશોકસિંહ જટુભા ઝાલા (ઉ.વ. 35), બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના મોડસિંહ ભવરજી સોલંકી (ઉ.વ. 28) અને બનાસકાંઠા જિલ્લાના મહેન્દ્રસિંહ પ્રભુજી ચૌહાણ (ઉ.વ. 32) નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના રહીશ સુજાનસિંહ પ્રતાપસિંહ સોલંકી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે ઉપરોક્ત દારૂ પ્રકરણમાં છ શખ્સોની અટકાયત કરી, ગુંદરી ગામના સુજાનસિંહ સોલંકીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

દરોડાની આ કાર્યવાહીમાં પોલીસે રૂા. 2,20,400 ની કિંમતની 551 બોટલ વિદેશી દારૂ ઉપરાંત ત્રણ લાખની કિંમતના બોલેરો કેમ્પર વાન, રૂપિયા પાંચ લાખની કિંમતની હ્યુન્ડાઈ કંપનીની આઈ-20 કાર અને રૂપિયા પાંચ લાખની કિંમતની મારુતિ સુઝુકી બલેનો કાર ઉપરાંત ઉપર 26 હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન અને ઝડપાયેલા શખ્સો પાસેથી રૂા.19,350 ની રોકડ રકમ સહિત કુલ રૂા.15,65,750 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે કોઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular