ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આગામી તા.5 માર્ચથી પ્રથમ સ્ટેટ કલબ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે એસો.ના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ માહિતી આપી હતી. આ ટૂર્નામેન્ટ બે તબકકામાં રમાશે અને ત્રણ મહિના સુધી ટૂર્નામેન્ટ ચાલશે. પ્રથમ તબકકામાં ટીમોની જૂથોમાં વિભાજીત કરવામાં આવશે અને અન્ય ટીમો વચ્ચે બે વખત (હોમ અને અવે) રમશે. મેચો સપ્તાહના અંતે (શનિવાર અને રવિવાર) રમાશે. કુલ મળીને 11 શહેરોમાં લગભગ 106 હોમ અને અવે મેચો રમાશે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્ર્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદ સહિત 11 શહેરોમાં મેચ રમાશે.
આ ટૂર્નામેન્ટમાં 33 ટીમોમાં 990 ખેલાડીઓ સામેલ થશે. જેમાં 17 સીનીયર, 9 જૂનીયર અને સાત સબ જુનિયર કેટેગરીની ટીમો ભાગ લેશે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગરની ટીમ તમામ ત્રણ શ્રેણીમાં ભાગ લેશે. જ્યારે ગાંધીનગર, આણંદ, સુરત, ભરુચ બે કેટેગરીમાં તથા જામનગર, ગોધરા, બનાસકાંઠા અને વાપી એક કેટેગરીમાં ભાગ લેશે. તમામ ટીમો વધુમાં વધુ ત્રણ વિદેશી ખેલાડીની નોંધણી 30 ખેલાડીઓની ટીમમાં કરી શકશે.
સીનીયર કલબ ચેમ્પિયનશીપમાં જીએસએફએ સલગ્ન કલબ ટીમ ભાગ લઇ શકે છે. 30 ખેલાડીઓની બનેલી ટીમમાંથી મેચના દિવસે 20 ખેલાડીની મંજૂરી અપાશે. આ ઉપરાંત સીનીયર કેટેગરીમાં ટીમમાં પાંચ ખેલાડી 20 વર્ષથી ઓછી ઉંમરમાં (વર્ષ 2003-2004) માં જન્મેલા હોવા જોઇએ. તેમાંથી ત્રણ ખેલાડી ફરજિયાતપણે મેચમાં રમવા જોઇએ. જૂનીયર કલબ ચેમ્પિયનશીપમાં 17 વર્ષ થી ઓછી ઉંમરના (2005/06 માં જન્મેલા) ખેલાડીઓ ભાગ લઇ શકે છે. જીએસએફએ નો મૂળ હેતુ આ રમતને લોકપ્રિય બનાવવા અને યુવા પ્રતિભાને ઓળખવા માટે છે તેમ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સબ જુનિયર ચેમ્પિયનશીપમાં 15 વર્ષથી નીચેના ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ ટુર્નામેન્ટનો હેતુ આ યુવા ખેલાડીઓમાંથી પ્રતિભાને ઓળખવાનો છે. કેટલાંક જિલ્લાઓમાં શાળા કક્ષાએ ટૂર્નામેન્ટો હોય છે પરંતુ કલબ ચેમ્પિનશીપ થકી યુવા પ્રતિભા બહાર આવશે.
સીનીયરમાં વિજેતા અને જુનિયર તથા સબ જુનિયરના વિજેતા તથા રનર અપ બીજા તબકકા માટે એટલે કે અંતિમ તબકકા માટે કવોલિફાઈડ થશે. અંતિમ તબકકા દરમિયાન કવોલિફાઈડ ટીમ એક બીજા સામે કેન્દ્રીય તબકકે રમશે. ફાઈનલ તબકકાની મેચ જીએસએફએ યુ-ટયુબ ચેનલ ઉપર લાઈવ બતાવવામાં આવશે. આ લાઈવ મેચ ખેલાડીઓ અને તેમના માતા-પિતામાં રૂચિ વધારશે. તમામ મેચ નિવીયા (સિમ્બોલ) ફૂટબોલથી રમાશે. તેમજ કલબ કેટેગરી માટે હોમ ગેમમાં ત્રણ ફૂટબોલ આપવામાં આવશે. વિજેતા અને રનરઅપ ટીમોને રોલીંગ ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવશે. સીનીયર કેટેગરીના ચેમ્પિયનને ગુજરાત તરફથી આઈ લીગ માટે કવોલિફાઈડ કરવામાં આવશે.
જીએસએફએ કલબ ચેમ્પિયનશીપમાં 106 + 18 એટલે કે 124 મેચો રમાશે. 33 ટીમોમાં 30 ખેલાડીઓ મળી કુલ 990 ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં જોડાશે તેમજ 33 ટીમોમાં પાંચ કોચ રહેશે. તેમજ 50 ઓફિસીયલ મેચ રેફરી રહેશે. આ કલબ ચેમ્પિયનશીપનો ફાયદો એ છે કે, ખેલાડીઓને રમવાનો મહત્તમ ફાયદો મળશે અને સમય મળશે. તેમજ રાજ્ય એસોસિએશન વાસ્તવિક પ્રતિભાને ઓળખી શકશે અને તેમને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે તૈયાર કરી શકે.
આ તકે જીએસએફએ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી સાથે અન્ય ઓફિસ બેરર ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં જીએસએફએના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા, અરૂણસિંહ રાજપૂત, જીજ્ઞેશ પાટીલ, હનિફ ગીનવાલા ઉપસ્થિત રહ્યાં હતાં અને માહિતી આપી હતી. આ મિટિંગનું આયોજન સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા એ કર્યુ હતું તથા આભારવિધિ ખજાનચી મયંક બુચએ કરી હતી.