આવતીકાલે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે તે પહેલાં આજે રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને તેના પ્રારંભે જ વિપક્ષે તડાફડી બોલાવવાનું શરૂ કરી દેતાં આ વખતનું સત્ર હંગામેદાર રહેવાના પૂરા અણસાર મળી રહ્યા છે. બીજી બાજુ સરકારે પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટમાં કલ્યાણકારી યોજનાઓનો ઢગલો કરી દેવાની રણનીતિ ઘડી કાઢી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ કાલે પ્રથમ વખત બજેટ રજૂ કરશે. તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ આ પહેલું બજેટ હશે. બજેટનું કદ 2.35 લાખ કરોડથી પણ વધુનું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજથી શરૂ થયેલું સત્ર 31 માર્ચ સુધી ચાલશે. દરમિયાન સરકારને બરાબરની ઘેરવા માટે વિપક્ષે પણ હથિયાર સજાવી લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલ સહિત સાત પૂર્વ ધારાસભ્યોનો શોકદર્શક ઉલ્લેખ રજૂ થયા બાદ બેઠક મુલતવી રખાઈ હતી.