રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધનું એલાન થતા જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહીત 11 સ્થળોએ હુમલાઓ કર્યા છે. રાજધાની કિવ સહીત 4 સ્થળો જેમાં ખારકિવ, ઓડેશા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક કરવામાં આવ્યા છે. જેના પરિણામે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
યુક્રેનમાં માર્શલ લો નું એલાન કરવામાં આવ્યું છે. અને કિવ એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે. માર્શલ લો એ કોઈપણ દેશમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યાયની એક પ્રણાલી છે જેમાં લશ્કરી દળોને કોઈ વિસ્તાર પર શાસનઅને નિયંત્રણ કરવાનો અધિકાર આપવામાં આવે છે. એવું જરૂરી નથી કે માર્શલ લૉ આખા દેશમાં જ લાગુ હોય, તે કોઈપણ દેશના નાના ભાગમાં લાદી શકાય છે. તેને લશ્કરી કાયદો પણ કહેવામાં આવે છે. જ્યારે સૈન્ય કોઈપણ દેશની ન્યાયિક વ્યવસ્થા સંભાળે છે, ત્યારે જે નિયમો અસરકારક હોય છે તેને માર્શલ લો કહેવામાં આવે છે.
હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે વિશ્વએ રશિયાને હુમલા કરતા રોકવું જોઈએ. આ સાથે કહ્યું કે હુમલાની સ્થિતિમાં યુક્રેન પોતાનો બચાવ કરશે અને જીતશે. તે જ સમયે, યુક્રેનના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે કિવમાં યુક્રેન ફાઇટર જેટ પર હુમલો કરવામાં આવ્યો છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ UNSCની બેઠક ફરી શરૂ થઈ છે. હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. યુક્રેન બોર્ડર પર યુદ્ધની પરિસ્થિતિને કારણે ઘણી એરલાઈન્સે તે વિસ્તારને Do Not Fly zone જાહેર કર્યો છે. યુક્રેનના કિવ એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. ત્યાં હાજર સ્ટાફ અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીયોને લેવા જઇ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઈટ પણ દિલ્હી પરત ફરી છે.