વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.11મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી સાંપડી છે. મોદીના ગુજરાત પ્રવાસને પગલે સરકાર ઉપરાંત ભાજપ સંગઠને અત્યારથી તૈયારીઓ આદરી છે.ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોની મતગણતરીને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમમાં બદલાવ થયો છે. નરેન્દ્ર મોદી તા.11મી માર્ચે ગુજરાત આવે તેવી શક્યતા છે. તા.10થી તા.14 માર્ચ સુધી પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનુ આયોજન કરાયુ છે.દેશ વિદેશના સરંક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો ઉપરાંત શસ્ત્ર ઉપ્તાદકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તા.11મી માર્ચે વડાપ્રધાન મોદી ડિફેન્સ એક્સ્પોનુ ઉદઘાટન કરશે. ગુજરાતીઓ શસ્ત્ર સરંજામને નિહાળી શકે તે માટે ડિફેન્સ એક્સ્પોમાં એક દિવસનો સમય વધારો કરવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસ રોકાણ કરે તેવી જાણવા મળ્યુ છે ત્યારે ભારત-પાકિસ્તાન સરહદે નિર્માણ પામેલા નડાબેડ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લેશે. આ માટે પ્રવાસન વિભાગે પણ નડાબેડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આ ઉપરાંત અમદાવાદમાં ય અન્ય એક કાર્યક્રમમાં ય મોદી હાજરી આપે તેમ છે. આમ, નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને તૈયારીઓ શરૂ કરાઇ છે.