ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી દ્વારા તા.૨૫-૦૧-૨૦૨૨ થી તા.૧૫-૦૩-૨૦૨૨ દરમ્યાન ખાસ રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. યોજવામાં આવનાર સ્પર્ધાઓમાં કિવઝ સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડીયો મેકીંગ સ્પર્ધા, પોસ્ટર ડિઝાઈન સ્પર્ધા તથા સ્લોગન સ્પર્ધાઓમાં તમામ નાગરિકો ભાગ લઈ શકશે. જેમાં ગીત, વિડીયો અને પોસ્ટર ડિઝાઈન સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોના વર્ગ અનુસાર કલાપ્રેમી (Amateur), વ્યવસાયિક (Professional) તથા સંસ્થાકીય (Institutional) એમ ૩(ત્રણ) શ્રેણીઓ નકકી થઈ આવેલ છે. જયારે સ્લોગન અને કિવઝ સ્પર્ધાઓ માટે શ્રેણીઓ નથી.
સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોની કૃતિઓને ભારતના ચૂંટણીપંચ દ્વારા રચાયેલી જયુરી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં ગીત, વિડીયો, પોસ્ટર ડિઝાઈન અને સ્લોગન જેવી સ્પર્ધાઓ માટે રુા. ૨,૦૦૦ થી લઈ રુા. ૧,૦૦,૦૦૦ સુધીનું રોકડ ઈનામ નકકી થઈ આવેલ છે. જયારે કિવઝ સ્પર્ધા માટે સ્પર્ધક ત્રણ લેવલ પૂર્ણ કરી ઈ-સર્ટીફીકેટ મેળવશે. કિવઝ સ્પર્ધા માટે સ્પર્ધકે પોતાનું નામ https://ecisveep.nic.in/contest/ વેબસાઈટ પર રજિસ્ટર કરી શકશે તથા ગીત, વિડીયો, સ્લોગન અને પોસ્ટરની કૃતિ voter-contest@eci.gov.in ઈ-મેઈલ પર સ્પર્ધાનું નામ, શ્રેણી/ કેટેગરીની વિગતો સાથે ચૂંટણી પંચને સબમિટ કરવાનું રહેશે. સ્પર્ધાને લગત સામાન્ય શરતો ઉકત વેબસાઈટ પરથી જાણી શકાશે.
જામનગર જિલ્લાની તમામ જાગરુક જનતા સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ભાગ લે અને ગુણવતાયુકત કૃતિઓ રજૂ કરી, ખાસ પ્રોત્સાહક ઈનામો/ પ્રમાણપત્રો મેળવવા ડો.સૌરભ પારઘી, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.


