ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના દિશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ કાનૂની સેવા અને સલાહને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો મારફતે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવતી હોય છે. આ કાનૂની સેવા અને સલાહ પ્રવૃત્તિઓ પૈકીની સમગ્ર રાજ્યમાં લોક અદાલતોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
લોક અદાલત તે વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ધતિઓ પૈકી સમાધાન રાહે તકરારનું નિવારણ કરવા માટેનો ઉત્તમ વિકલ્પ છે અને આજ દિન સુધી યોજાયેલ લોક અદાલતોમાં ઘણી સારી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે અને સમગ્ર વર્ષ દરમિયાન નાલસાના દિશા નિર્દેશો મુજબ સમગ્ર રાજ્યમાં યોજાનાર લોક અદાલતોની જાગૃતતા બાબતે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ તથા ગુ.રા.કા.સે.સ. મંડળના કારોબારી અધ્યક્ષ આર.એમ.છાયા ડી.ડી. ગિરનાર પર જનજાગૃતિ અર્થે મુલાકાત આપેલ છે, જેનું પ્રસારણ આજરોજ સાંજે ૮:૦૦ કલાકે ડી.ડી. ગિરનાર ચેનલ પર થનાર છે તથા પુન:પ્રસારણ તા.૨૩/૦૨/૨૦૨૨ના રોજ સાંજે ૮:૦૦ કલાકે ડી.ડી. ગિરનાર ચેનલ પર થશે. જેમાં લોક અદાલતમાં ક્યા કેસ મૂકી શકાય તેમજ કયા કેસો ન મૂકી શકાય, લોક અદાલતમાં સમાધાન કરવાના ફાયદાઓ વગેરે વિષય બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુ.રા.કા.સે.સ.મના પેટ્રોન-ઇન-ચીફ અરવિંદકુમારએ પણ સમગ્ર રાજ્યના લોકોમાં લોક અદાલતની જાગૃતિ આવે અને લોકો લોકઅદાલતનો મહત્તમ લાભ લે તેમ સંદેશ આપેલ છે ત્યારે ગુજરાતની જાહેર જનતાને આ પ્રસારણનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ પ્રસારણ youtube link: https://youtube/5GFrojkBU50 દ્વારા પણ જોઈ શકાશે તેમ સભ્ય સચિવ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.