એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી Garena Free Fire અચાનક ગાયબ થઈ ગઈ છે. રોયલ બેટલ ગેમ હાલમાં iOS અને Android બંને પ્લેટફોર્મ પર દેખાતી નથી. આ એપ 12 ફેબ્રુઆરીથી બંને પ્લેટફોર્મ પર નથી. જોકે, Garena એ આ અંગે કોઈ માહિતી આપી નથી. ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ગેમને હટાવવા અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન જાહેર થઇ શકે છે.
જો કે, ગેમનું મેક્સ વર્ઝન એટલે કે ફ્રી ફાયર મેક્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જ્યારે ફ્રી ફાયર કે ફ્રી ફાયર મેક્સમાંથી કોઈ પણ ગેમ એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. આ પછી, ગેમિંગ સમુદાયમાં ઘણી અફવાઓ ઉભી થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ચાહકોને લાગે છે કે PUBG મોબાઈલની જેમ આ ગેમ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે આ માત્ર અફવા છે. કારણ કે ન તો Garena અને ન તો સરકારે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હોવાની કોઈ માહિતી જાહેર કરી છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ ન હોવા છતાં, જે યુઝર્સ પહેલાથી જ ફ્રી ફાયર ડાઉનલોડ કરી ચૂક્યા છે તેઓ તેને સરળતાથી રમી શકે છે.
કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ટેક્નિકલ ખામી હોઈ શકે છે, જે લેટેસ્ટ અપડેટ બાદ આવી છે. અગાઉ ભારત સરકારે સુરક્ષાના કારણોસર PUBG મોબાઈલ અને PUBG મોબાઈલ લાઇટ સહિત ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. Garena દ્વારા ફ્રી ફાયરના કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સંબંધમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.