કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે મુલાકાત લઇ ગુજરાતમાં સમયસર ખાતરનો પુરવઠો પહોંચાડવા બદલ આભાર અભિવ્યક્તિ સાથે ખરીફ ઋતુમાં આયોજન અનુસાર ખાતરનો પુરવઠો મળી રહે એ માટે રજૂઆત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત લઈ જામનગર ગ્રામ્યના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ જાહેર કરવા બદલ આભાર અભિવ્યક્તિ સાથે આ સાઈટના વિકાસ અંગે ચર્ચા અને રજૂઆત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ. રાઘવજી પટેલે ગત 10-02ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઇ માંડવીયાજી તથા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત કરી હતી.
દિલ્લી ખાતેની આ મુલાકાત દરમ્યાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરની અછત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને જરૂરિયાતના સમયે યુરિયા ખાતર તથા DAP ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડીને સમયસર મદદ કરી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાર્થક કરવામાં મદદરૂપ થવા બદલ માનનીય કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઇ માંડવીયાજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કૃષિમંત્રીએ આગામી ખરીફ ઋતુમાં રાજ્યના આયોજન પ્રમાણેનો ખાતરનો પુરવઠો ગુજરાતના ખેડૂતોને સમયસર મળી રહે એ માટે રજૂઆત પણ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં માનનીય કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરવઠો સમયસર પહોંચાડવાની બાહેંધરી આપતાં કૃષિમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીની આ મુલાકાત દરમિયાન સાંસદ પુનમબેન માડમ, રામભાઈ મોકરિયા સાથે રહેલ હતા. આ ઉપરાંત માનનીય કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવજી સાથે મુલાકાત લઈ જામનગર ગ્રામ્યના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આ ક્ષેત્રને એક નવી ઓળખ મળવા સાથે ક્ષેત્રના વિકાસને વેગ પણ મળશે. સાથે જ ખીજડીયા પક્ષી અભયારણ્યની રામસર સાઈટ ખાતે વધુ રિસર્ચ,પક્ષી સંરક્ષણ, રોજગાર, પ્રવાસન, અને વિકાસકાર્યોને આગળ ધપાવવા માટે તથા રાજ્યના પર્યાવરણને લગતા અન્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીની આ મુલાકાત દરમિયાન સાંસદ પુનમબેન માડમ, રમેશભાઈ ધડુક તથા રામભાઈ મોકરીયા સાથે રહેલ હતા.