જામનગર તાલુકાના ખીજડિયા બાયપાસ નજીકથી પસાર થતી કારના ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતા જામનગરના તરૂણનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જયારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના બેડેશ્ર્વરમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા ઈકબાલ મીયાણા અને શાહીલ બીલાલ સહિતના લોકો જીજે-36-ટી-0265 નંબરની સૂઝુકી ઈસૂઝમાં જતાં હતાં રવિવારે સવારના 9 વાગ્યાના અરસામાં કારના ચાલક અબ્બાસ દોસમામદે તેની કાર પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે પહોંચ્યા ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલા શાહીલ બીલાલભાઈ સુમારિયા (ઉ.વ.15) નામના તરૂણને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ ઈકબાલ મીયાણા સહિતના અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની જાણ ઈકબાલ દ્વારા કરાતા પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.