મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. સિંગતેલના ડબ્બામાં રૂ.10નો જયારે પામોલીન અને કપાસિયાના તેલમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં ખાદ્યતેલના બેફામ ઉંચાઈએ લઈ જવાયેલા ભાવને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે આયાત-નિકાસ નિયંત્રણો ઉપરાંત રાજ્યોને સ્ટોક લિમિટ લાદવા સૂચના આપી અને વાયદાના વેપાર પર પ્રતિબંધ મુક્યો પરંતુ, આ પગલાને અવગણીને તેલબજાર સળગી છે.
સિંગતેલના ડબ્બાના ભાવ વધીને રૂ. 2250-2300 તો કપાસિયા અને પામતેલ બન્નેમાં રૂ.20-20નો વધારો થયો છે. ફરસાણમાં વપરાતા કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2140-2190 પર આજે પહોંચ્યો હતો તો પેકિંગ ફૂડમાં વપરાતા પામતેલના ડબ્બાનો ભાવ રૂ.1960 ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત વનસ્પતિ ઘીના ભાવમાં પણ રૂ.20નો વધારો થતા નવો ભાવ 2050 થયો છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું રૅકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. આમ છતાં સિંગતેલ મોંઘું થયું છે. તો એક બાજુ લગ્નગાળાની સીઝન પણ ચાલી રહી છે અને બીજી બાજુ તેલનાં ભાવ વધતા ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે.