જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતાં અને દરજીકામ કરતા યુવાને હાથ ઉછીના લીધેલા સાડા પાંચ લાખની રકમ માટે ઓફિસે બોલાવી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પૈસા આપી દેવા પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતાં અને દરજી કામ કરતા હિતેશ પ્રભુદાસ ટંકારિયા (ઉ.વ.36) નામના યુવાને ભૂપેન્દ્રભાઈ પાસેથી કટકે-કટકે સાડા પાંચ લાખની રકમ હાથ ઉછીની લીધી હતી અને આ રકમ ચૂકવવા માટે ગુરૂવારે સાંજના સમયે હિતેશને અંબર ચોકડી પાસે આવેલા કોમ્પલેક્ષમાં બોલાવ્યો હતો. જ્યાં ભૂપેન્દ્ર અને બે અન્ય શખ્સો સહિતના ત્રણ શખ્સોએ હિતેશને ઓફિસમાં બોલાવી લાકડના ધોકા વડે હાથમાં- ખંભામાં આડેધડ માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી પૈસા આપી દેજે નહીં તો જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે હિતેશની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.