હાલારમાં છેલ્લાં 48 કલાક દરમિયાન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ડબ્બલ થઈ ગઇ છે. પરંતુ આ સ્થિતિમાં બે દિવસમાં હાલારમાં વધુ પાંચ દર્દીના ભોગ લેવાયા છે જે ગંભીર બાબત છે તેમજ જામનગર શહેરમાં બે દિવસ દરમિયાન 373 પોઝિટિવ કેસ સામે 734 સાજા થયા જ્યારે ગ્રામ્યમાં 87 પોઝિટિવ કેસ સામે 205 દર્દી તથા દ્વારકામાં 68 પોઝિટિવ કેસની સામે 99 દર્દી સ્વસ્થ થયા હતાં. આમ હાલારમાં 48 કલાક દરમિયાન 528 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 1038 દર્દીઓ સાજા થયા હતાં અને 5 દર્દીઓના મોત નિપજ્યા હતાં.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ધીમે ધીમે ઘટતું જાય છે અને તેની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ડબ્બલ થઈ ગઈ છે. આ સારી સ્થિતિ વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લાં 48 કલાક દરમિયાન હાલારમાં કુલ 328 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે તેના કરતા ડબ્બલ જેટલા 1038 દર્દીઓ સ્વસ્થ થયા હતાં તેમજ જામનગર શહેરમાં બુધવારે 201 દર્દીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 281 દર્દી સાજા થયા હતાં. તેમજ એક દર્દીનું મોત નિપજ્યું હતું. જયારે ગુરૂવારે 172 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 453 દર્દી સ્વસ્થ થયા હતાં તથા એક દર્દીનું મોત નિપજ્યું હતું. આમ, જામનગરમાં 373 નવા કેસની સામે 734 દર્દીઓ સ્વસ્થ થયા હતાં અને બે દર્દીઓના મોત નિપજ્યા હતાં.
જયારે ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે 44 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 78 દર્દી સ્વસ્થ થયા હતાં અને ગુરૂવારે 43 દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ સામે 127 દર્દીઓ સ્વસ્થ થયા હતાં તથા 48 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ તાલુકામાં તથા કાલાવડ તાલુકામાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં 48 કલાક દરમિયાન 87 પોઝિટિવ દર્દીની સામે 205 દર્દીઓ સાજા થયા છે અને બે દર્દીઓના મોત નિપજ્યાનું સત્તાવાર વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયું છે. જામનગર ગ્રામ્ય વિસ્તારના 9 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે 612 દર્દીઓ હાલ હોમઆઇસોલેશનમાં છે. જામનગર જિલ્લામાં એક ડિસેમ્બરથી અત્યારસુધીમાં 62,075 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6,43,347 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન રાબેતા મુજબ વધતા કોરોનાના નવા કેસ વચ્ચે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે આ વચ્ચે ખંભાળિયાના એક દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું પણ નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન ભાણવડ તાલુકામાં 5, દ્વારકા તાલુકામાં 22, કલ્યાણપુર તાલુકામાં 21 અને ખંભાળિયા તાલુકામાં 20 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. બુધવારે 35 તથા ગુરૂવારે 33 મળી કુલ 68 નવા પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે કરવામાં આવતા ટેસ્ટમાં બુધવારે 874 તથા ગુરૂવારે 1,256 મળી, કુલ 2130 ટેસ્ટ થયા છે. આ સાથે જિલ્લામાં ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. ભાણવડ તાલુકામાં બુધવારે 7, દ્વારકા તાલુકામાં બુધવારે 16 અને ગુરુવારે 40, કલ્યાણપુર તાલુકામાં બુધવારે 3 અને ગુરુવારે 4 અને ખંભાળિયા તાલુકામાં બુધવારે 17 અને ગુરુવારે 12 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આમ જિલ્લામાં બુધવારના 43 અને ગુરુવારના 56 મળી, કુલ 99 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. આ વચ્ચે ખંભાળિયા તાલુકાના કોરોના સંક્રમિત એવા અનેક દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે.