જામનગર સહીત રાજ્યભરમાં આજથી જ કોલ્ડવેવની અસર શરુ થઇ ગઇ છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના પરિણામે હજુ પણ કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કરવો પડશે. તો ઉત્તરગુજરાતમાં તો યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરના સીધા ઠંડા પવનની અસર સૌથી વધુ અસર રાજકોટ, જુનાગઢ, પોરબંદર,અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર જીલ્લામાં રહેશે. રાજ્યભરમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે છેલ્લા બે ત્રણ દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ આજથી ફરી એક વાર ઠંડીનો ચમકારો શરુ થયો છે. હજુ ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે.
રવિવરના રોજ ઠંડા પવનના કારણે રાત્રી દરમિયાન તાપમાન 7 ડીગ્રી જેટલું ઘટ્યું હતું. આગામી 72 કલાકમાં હજુ પણ તાપમાનનો પારો ગગડશે. જેના પરિણામે 48 કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.