આઈપીએલ-2022ના મેગા ઑક્શન પહેલાં બે નવી ટીમોએ પોતપોતાના ડ્રાફ્ટ જાહેર કરી દીધા છે. આ વખતે આઈપીએલમાં અમદાવાદ અને લખનૌ ટીમો પહેલી વખત ભાગ લઈ રહી છે. દરમિયાન બન્ને ટીમોએ પોતપોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. અત્યારે સાઉથ આફ્રિકામાં ભારતીય વન-ડે ટીમની કમાન સંભાળી રહેલા કે.એલ.રાહુલને લખનૌ ટીમે પોતાનો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમનું સુકાન મળ્યું છે. આ ડ્રાફ્ટ સાથે અમદાવાદે હવે 38 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આવામાં તેની પાસે 52 કરોડ રૂપિયા બચશે જે લઈને તે હરાજીમાં ઉતરશે. જ્યારે લખનૌ ટીમે 30.2 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે જેથી તેની પાસે હવે 58 કરોડ રૂપિયા પર્સમાં રહેશે. ઉલ્લેખનિય છે કે આ વખતના આઈપીએલમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જૂની આઠ ટીમોના ખેલાડીઓને રિટેન કરવાની તક મળી હતી. જ્યારે અમદાવાદ, લખનૌને મેગા ઑક્શન પહેલાં ત્રણ-ત્રણ ખેલાડીઓને પોતાની સાથે જોડવાની તક મળી હતી. હવે જ્યારે તમામ ટીમોએ પોતાના ખેલાડીઓના નામોની જાહેરાત કરી દીધી છે.
એટલે મેગા ઑક્શન માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. લખનૌ ટીમને સંજીવ ગોયન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી હતી જે આઈપીએલ ઈતિહાસની સૌથી મોંઘી ટીમ છે. જ્યારે અમદાવાદ ટીમને સીવીસી કેપિટલ ગ્રુપે 5665 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ક્રિકેટ બોર્ડે બન્ને ટીમોના વેચાણથી 12 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હાર્દિક પંડ્યા પાછલા થોડા સમયથી ખરાબ ફોર્મ, ફિટનેસથી ઝઝૂમી રહ્યો હતો એટલા માટે મુંબઈ ઈન્ડિયન્સે તેને રિટેન કર્યો નહોતો. તે ટૂર્નામેન્ટથી શરૂઆતથી જ મુંબઈ સાથે જોડાયો હતો. આવું જ કંઈક રાશિદ ખાન સાથે બન્યું છે. તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે તેને રિટેન કર્યો નહોતો.