જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 330 અને ગ્રામ્ય વિસ્તારોમાં 110 મળી કુલ 440 કોરોના પોઝિટિવ દર્દીઓ નવા ઉમેરાયા હતાં અને અહીંની કોવિડ હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજયું હતું. જયારે 92 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ઉપરાંત દ્વારકામાં 55 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 09 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું છે. ત્યારે છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 330 પોઝિટિવ કેસ નોંધાયા હતાં તેમજ અહીંની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાલવાડી વિસ્તારના 70 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. જયારે 78 દર્દીઓ સાજા થયા હતાં. ગ્રામ્યમાં કુલ 110 કેસ નોંધયા હતાં. જિલ્લામાં કુલ 440 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 92 દર્દીઓ સાજા થયા હતાં. જામનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ સંક્રમણ અનેક ગણું ઝડપી વકરી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા કેસો અવિરત રીતે વધતા જોવા મળ્યા છે. જેમાં સૌથી ચિંતાજનક પરિસ્થિતિ દ્વારકા તાલુકાની છે. ગઈકાલે શુક્રવારે પણ છેલ્લા 24 કલાક દરમિયાન ફક્ત દ્વારકા તાલુકામાં જ નવા 39 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર માટે આ મુદ્દો પડકારરૂપ બની રહ્યો છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં પણ તેર અને કલ્યાણપુર તાલુકામાં ત્રણ દર્દીઓ નોંધાયા છે. જો કે ભાણવડ તાલુકામાં એક પણ નવો કેસ સામે આવ્યો નથી. એક દિવસમાં જિલ્લામાં 55 નવા કેસ સાથે ભાણવડ તાલુકામાં પાંચ અને દ્વારકા તાલુકામાં ચાર મળી, કુલ નવ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે કોરોના અંગે કુલ 1,268 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત તો એ છે કે કોરોનાની આ ત્રીજી લહેરમાં નોંધાતા નવા દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના મોટાભાગના બેડ હજુ ખાલી જ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી એકપણ કોવિડ મૃત્યુ નોંધાયું નથી.