મુલાયમસિંહના પુત્રવધુ અપર્ણા યાદવ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. સ્વતંત્રદેવસિંહ, કેશવ પ્રસાદ મૌર્યએ અપર્ણા યાદવને પાર્ટીમાં આવકાર્યા હતા. મુલાયમ સિંહની નાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ સાથે અપર્ણાની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અપર્ણા યાદવ લખનૌની કેન્ટ સીટ પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી. અપર્ણા યાદવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેન્ટ વિધાનસભા મતવિસ્તારમાંથી બીજા ક્રમે આવ્યા હતા. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુ ગુણા જોશીએ હરાવ્યા હતા. જોકે, અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ અપર્ણા યાદવે કહ્યું કે હું હંમેશા પીએમ મોદીથી પ્રભાવિત રહી છું. મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. હું હવે રાષ્ટ્રની આરાધના કરવા બહાર આવી છું , જેમાં હું દરેકનો સહયોગ ઈચ્છું છું.
અપર્ણાએ પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાન, મહિલાઓ, રોજગાર વગેરે માટેના અભિયાનની પ્રશંસા કરી. સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ હંમેશા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીએમ મોદીના વખાણ કરતા રહે છે. અપર્ણાએ રામ મંદિર માટે 11 લાખ 11 હજારનું દાન આપ્યું હતું. આ અટકળો ત્યારે વધારે ચર્ચામા આવી જ્યારે દત્તાત્રેય હોસાબલેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ બનવા પર તેમની સાથે તસવીરો શેર કરી હતી. અપર્ણા મુલાયમના બીજા પત્ની સાધના યાદવના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અપર્ણા બદાયૂ સહિત ઘણી જગ્યાએથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ માંગી રહી હતી. પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને ટિકિટ આપી ન હતી. બીજી તરફ રીટા બહુ ગુણા જોશીના સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી, જેના પર 2019માં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો વિજય થયો હતો અને સુરેશ ચંદ તિવારી ચોથી વખત ધારાસભ્ય બન્યા હતા.