Tuesday, December 24, 2024
Homeરાજ્યકોરોનાએ કાળિયા ઠાકોરના ભક્તોને કર્યા નિરાશ: સપ્તાહ સુધી ભાવિકો માટે દર્શન બંધ

કોરોનાએ કાળિયા ઠાકોરના ભક્તોને કર્યા નિરાશ: સપ્તાહ સુધી ભાવિકો માટે દર્શન બંધ

દ્વારકાધીશ, બેટ દ્વારકા અને હનુમાન દાંડી મંદિરમાં ભાવિકો માટે નો એન્ટ્રી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યાએ બેવડી સદી ફટકારી છે. મહત્વની બાબત તો એ છે કે અહીંના સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા તાલુકામાં જ સૌથી વધુ અને પડકારરૂપ નવા કેસો નોંધાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ અને મંદિર તંત્ર તથા સરકારી તંત્ર દ્વારા દ્વારકાના જગતમંદિર, બેટ દ્વારકા તથા હનુમાન દાંડીના મંદિરોમાં ભાવિકો માટે એક સપ્તાહ સુધી દર્શન બંધ રાખવામાં આવ્યા છે.

- Advertisement -

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઇને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા વિવિધ પ્રકારના પ્રતિબંધોના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં પણ આજરોજ સોમવાર તારીખ 17 થી આગામી તારીખ 23મી જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવ્યા છે. જો કે આ જગત મંદિરના પૂજારી પરિવાર દ્વારા પારંપરિક કાર્યક્રમ મુજબ સેવા પૂજા થશે. મહત્વની બાબત તો એ છે કે દ્વારકાધીશના દર્શન સંસ્થાની વેબસાઇટ WWW.DWARKADHISH.ORG ઉપરથી લાઈવ કરી શકાશે. જેનો લાભ લેવા તંત્ર દ્વારા સર્વે ભક્તજનોની અપીલ કરવામાં આવી છે.

આ સાથે દ્વારકા તાલુકામાં આવેલા જાણીતા બેટ દ્વારકા તેમજ હનુમાન દાંડી ખાતે પણ તારીખ 17 તારીખ 23Bમી જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે દર્શન બંધ રહેનાર છે. જો કે આ મંદિરોમાં વ્યવસ્થાપક તેમજ સરકારી અધિકારીઓ તેમની ફરજ બજાવી શકશે.

- Advertisement -

આજરોજ પૂર્ણિમાનો મહત્વનો દિવસ છે અને મોટી સંખ્યામાં ભક્તો પૂનમ નિમિતે દ્વારકા ખાતે દર્શનાર્થે જાય છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે અને સંક્રમણ ન ફેલાય તે માટે લેવામાં આવેલા નિર્ણય વચ્ચે હાલ એક સપ્તાહ સુધી ભક્તો કાળીયા ઠાકોર તથા બેટ દ્વારકા ખાતે હનુમાનજીના દર્શનથી વિમુખ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular