મકરસંક્રાંત પર્વ ટાણે જ જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સાત મહિના બાદ આજે જામનગર શહેરમાં કોરોનાના 100 થી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં આજે 147 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં 46 મળી સમગ્ર જિલ્લામાં કુલ 193 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં પણ કોરોનાની ત્રીજી લહેરે ગતિ પકડી હોય તેમ રોજ નોંધાતા કેસમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, શહેરમાં 147 પોઝિટિવ કેસ નોંધાતા બીજી લહેરની યાદ તાજી થઈ છે. શહેરમાં છેલ્લે સાત મહિના અગાઉ 23 મે 2021 ના રોજ 102 કેસ નોંધાયા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે. આજે સાત મહિના બાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસના આંકડાએ ફરી સદી પાર કરી છે. આ સાથે જ ત્રીજી લહેરે પીક તરફ પ્રણાય શરૂ કર્યુ છે.
છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા શહેરીજનો અને આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા હતાં. ત્યાં આજે થયેલા વિસ્ફોટે તંત્રને દોડતું કરી દીધું છે. લોકોમાં પણ ફરી ભયનું લખલખું વ્યાપી ગયું છે. જો કે, રાહતની વાત એ છે કે, બીજી લહેરની જેમ આ વખતે કોરોનાના ગંભીર લક્ષણો હજુ સુધી સામે આવ્યા નથી. તેમજ દર્દીને ઓકસીજનની સમસ્યા પણ ગંભીર બની છે. પરિણામે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું રહ્યું છે. આવતીકાલે શહેરમાં ઉતરાયણનો પર્વ છે ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેતી રાખવી જરૂરી બની ગઇ છે.