આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લા તંત્ર દ્વારાચ ચાઇનીઝ દોરા, પતંગ, તુકકલના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગરમાં અધિક જિલ્લા મેજીસ્ટે્રટ મિતેશ પંડયાએ આ અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવતા હોય છે. આ માટે પ્લાસ્ટિક અને સિન્થેટીક મટીરિયલમાંથી બનેલા દોરા અને પતંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે માણસો અને પશુ-પક્ષીઓને ગંભીર ઈજા પહોંચવાની સંભાવનાઓ હોય છે. ઉપરાંત આકાશમાં ઉડાડવામાં આવતા ચાઇનીઝ તુકકલને કારણે ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ પણ બને છે. જેને કારણે જાનમાલનું નુકસાન થાય છે. સાથે સાથે પર્યાવરણને પણ હાની પહોંચે છે. આ પ્રકારના પતંગ અને દોરાની વિપરિત અને ગંભીર અસરો નિવારવા માટે 7 જાન્યુઆરીથી જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાઇનીઝ બનાવટની તેમજ પ્લાસ્ટિક સિન્થેટીક મટીરીયલમાંથી બનેલા દોરા-પતંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 હેઠળ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.