દેશભરમાં કોરોના તેમજ ઓમીક્રોન વેરિયન્ટના વધી રહેલા સંક્રમણના પરિણામે ગંભીરતાને જોતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા આદેશ જારી કરવામાં આવ્યા છે. દીવ આરોગ્ય વિભાગ દ્વારા દીવ ચેક-પોસ્ટ ઉપર આવનારા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ અને કોરોના વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત કર્યું છે. જે લોકોએ વેક્સિન નહી લીધી હોય તેમણે દીવમાં પ્રવેશ મળશે નહી. દીવ ચેકપોસ્ટ પર કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત કોરોનાના તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.
દીવમાં મહામારીના પરિણામે 6 જાન્યુઆરીથી ધો.1થી8ની શાળાઓ પણ બંધ કરવામાં આવી છે. માત્ર ઓનલઈન શિક્ષણ ચાલુ રહેશે. તો આંગણવાડી કેન્દ્રો પણ નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રહેશે. દીવ પ્રશાસને નાગરિકોને કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.