જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા યુવાન ઉપર જૂની મનદુ:ખમાં સમાધાન કરતા સમયે મામલો બિચકતા ત્રણ શખ્સોએ યુવાનની આંખમાં ચટણી છાંટી પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા દલિતનગર શેરી નં.1 માં રહેતાં નરેશ નાથાભાઈ સોલંકી (ઉ.વ.45) નામના યુવાનને પ્રદીપ કારા પઢીયાર નામના શખ્સ સાથે અગાઉ થયેલા મનદુ:ખ બાબતે સમાધાન માટે બોલાવ્યો હતો. તે દરમિયાન બોલાચાલી થવાથી પ્રદીપ કારા પઢીયાર, ડાહીબેન કારા પઢીયાર અને પ્રદિપના કાકા સહિતના ત્રણ શખ્સોએ નરેશની આંખમાં ચટણી છાંટી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવહી હાથ ધરી હતી.