જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનનો ઈલેકટ્રીકનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણને કારણે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વાડી વિસ્તારમાં રહેતા મજૂરીકામ કરતા મહિલાએ કોઇ કારણસર ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં વૃધ્ધનું હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં અને ઈલેકટ્રીકનો વ્યવસાય કરતા સંજય ઉર્ફે સની મહેશભાઇ રાજપાલ (ઉ.વ.26) નામના યુવાનનો વ્યવસાય બરોબર ચાલતો ન હતો. જેથી આર્થિક સંકળામણ અનુભવતા યુવાને મંગળવારે સવારના સમયે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતા એએસઆઈ પી.બી. ગોજિયા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી યુવાનના મૃતદેહને બહાર કાઢી સ્થળ પાસેથી મળી આવેલા વાહનના આધારે મૃતકની ઓળખ મેળવી તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મનોહરલાલના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના હજામચોરા ગામની સીમમાં અશ્ર્વિનભાઇ પટેલની વાડીમાં મજૂરીકામ કરતા પોંગરીબેન અજમેરભાઈ પરમાર (ઉ.વ.40) નામના મહિલાએ ગત તા. 25 ના રોજ સાંજના સમયે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ અજમેરભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં અનિલભાઈ પ્રભુલાલ ચુડાસમા (ઉ.વ.63) નામના વૃદ્ધને મંગળવારે વહેલીસવારના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની વિપુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.